પ્રેમી આત્મા વિદાય લે છે
સરોડાથી અમે સાબરમતી આવી પહોંચ્યા. પાવર હાઉસના ભાઇઓનો પ્રેમ પુષ્કળ હતો. તેમની વચ્ચે સત્સંગમાં દિવસો સારી પેઠે વીતવા લાગ્યા. એ સમય દરમિયાન એક પ્રસંગ બન્યો. સરોડાના પ્રેમી ભાઇ શના ભટ્ટ વિશે મેં આગળ ઉલ્લેખ કર્યો છે. એ ભાઇએ ડોશીમાના દેહાવસાન વખતે મહામૂલી મદદ કરેલી. છેલ્લા એકાદ વરસથી તે બિમાર હતા. તેમને ક્ષયરોગ થયેલો. સરોડા નિવાસ દરમ્યાન ગામમાં કોઇને ઘેર ન જવાનો મારો નિયમ હતો. ઇ.સ. ૧૯૪૪થી આ નિયમ બરાબર ચાલ્યા કરતો. પરંતુ શનાભાઇનો સેવાભાવી ને પ્રેમી સ્વભાવ જોઇને તે પથારીવશ હતા ત્યારે મેં તેમને ત્યાં જવાનું ઠરાવ્યું. માતાજી તેમની પાસે જતાં ત્યારે તે મારા સમાચાર પૂછતા. સાજા હોય તો દિવસનો વધારે ભાગ મારી પાસે આવ્યા વિના રહે જ નહિ. પરંતુ વ્યાધિની પ્રબળતા પાસે તે નિરૂપાય હતા. મને થયું કે આવા પ્રેમી પુરુષને મળવા માટે જવું જ જોઇએ.
શનાભાઇને મળવા ગામના એક ભક્ત સાથે હું ગયો ત્યારે તે ખાટલામાં સૂતેલા. અત્યંત અશક્ત હોવા છતાં માંડ માંડ બેઠા થયા. ને મેં ના પાડી તો પણ પ્રણામ કરીને ખાટલા નીચે બેઠા. તેમનો પ્રેમ પ્રબળ હતો. તેમનાં દર્દ વિશે કેટલીક વાતો કરીને અમે છુટા પડ્યા. પરંતુ એ મુલાકાતથી એમને અપાર આનંદ થયો.
એ પ્રસંગ પછી કેટલેક દિવસે અમારે સાબરમતી આવવાનું થયું. ત્યાં એક રાતે શનાભાઇનો જીવાત્મા ધ્યાનાવસ્થામાં મારી પાસે આવ્યો અને એમણે મને પ્રેમથી પ્રણામ કર્યા.
મેં કહ્યું, ‘કેમ ?’
શનાભાઇ બોલ્યા : ‘હવે હું જાઉં છું. મારો વખત આવી ગયો છે. મરતાં પહેલાં એક ઇચ્છા તમારાં દર્શન કરવાની હતી તે પણ પ્રભુ કૃપાથી હવે પૂરી થઇ.’
થોડી વાર ઊભા રહીને તેમણે મને ફરી પ્રણામ કર્યા. સવારે ઊઠીને મેં માતાજીને એ હકીકત જણાવીને કહ્યું કે શના ભટ્ટ હવે જતા રહ્યા લાગે છે. તે જ દિવસોમાં સમાચાર મળ્યા કે શના ભટ્ટનું દેહાવસાન થયું છે.
આ પ્રસંગ વિચારવા જેવો છે. આ પછી મુંબઇવાસ દરમ્યાન ભારતના મહાન જીવનમુક્ત ને સિદ્ધ પુરુષ રમણ મહર્ષિ-જેમને મારા પર પ્રેમ હતો, ને જે મને અનેક વાર દર્શન આપતા તે-ફરી આંતર જગતમાં આવ્યા, ને પોતે થોડા જ વખતમાં સમાધિ લેશે એમ કહ્યું. આ પરથી મુંબઇના પ્રેમી ભાઇઓને મેં કહ્યું કે, ‘મહર્ષિ ખૂબ વૃદ્ધ થયા છે. તેમના જીવનનો વિશ્વાસ નથી. દર્શન કરવાં હોય તો તેમની પાસે જઇને કરી આવો. ભારતની આવી મહાન વિભૂતિનું દર્શન કરવાનો અવસર અવારનવાર નહિ આવે.’
એ પ્રસંગોથી આશ્ચર્ય પામવા જેવું કૈંજ નથી. મહર્ષિ જેવા મહાન પુરુષો પોતાની સિદ્ધિશક્તિના બળથી ઇચ્છા પ્રમાણે ગમે ત્યાં ને ગમે તેની પાસે જઇ શકે છે. સિદ્ધ યોગી એવું કરી શકે છે. સૂક્ષ્મ અથવા સ્થૂલ શરીરે પણ તે ઇચ્છાનુસાર વિચરી શકે છે. આધ્યાત્મિક માર્ગનાં આવા કેટલાંય પરમ સત્યો ને રહસ્યો સાધારણ માનવીની સમજથી પર છે, કેમ કે તે અનુભવગમ્ય છે. આધ્યાત્મિક વિકાસના પંથનો માણસ પ્રવાસી બને તો જ આવી કેટલીક વાતો લાંબે ગાળે તે સમજી શકે. અનીતિ, અધર્મ, વાસના તેમ જ અહંતા-મમતાનો દાસ માનવ આવી કેટલીયે અનુભૂતિઓથી વંચિત રહી જાય છે ! માનવની શક્યતા ઘણી જ છે, તે ધ્યાનમાં લઇને નીતિ ને સદાચારને રસ્તે જીવનને વાળીને ઇશ્વરપ્રાપ્તિનો પુરુષાર્થ કરવો જોઇએ. માનવનો પરમ ને સત્ય પુરુષાર્થ એ જ છે.
મહર્ષિ જેવા મહાત્માઓ પોતાની શક્તિથી બધે જઇ શકે છે. પરંતુ શનાભાઇ જેવા જીવાત્માની અપૂર્ણ ઇચ્છા સ્વપ્નાવસ્થામાં ઇશ્વર પૂરી કરે છે. તેમને મને મળવાની ઉત્કટ ઇચ્છા હશે તે પ્રભુકૃપાથી પૂરી થઇ. સ્વપ્નાવસ્થામાં એમને એવી રીતે મારો મેળાપ થયો. કેટલીક વાર માણસને ખબર ન પડે એવી રીતે પણ કેટલાંક કામ થાય છે, એ વાતનો ઘણાને અનુભવ છે.