Text Size

ગાંધીજીનો પૂર્વજન્મ

મને સો ટકા ખાતરી છે કે આ પ્રકરણનું મથાળું વાંચીને કે સાંભળીને ઘણાંને - લગભગ બધાંને નવાઇ લાગશે. ગાંધીજીના નામ ને કામ સાથે જે લોકો એક યા બીજી રીતે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સંકળાયેલા છે, તે બધાંને માટે આ મથાળું નવું ને કાંઇક અંશે ચોંકાવનારું થઇ પડશે. કેટલાકને તેમાં નવીનતા લાગશે, કોઇને કૂતુહલનો અનુભવ થશે, તો કોઇ અપાર આશ્ચર્ય અનુભવશે. કેટલાકની પૂર્વગ્રહયુક્ત બુદ્ધિ આવી કપોળકલ્પિત ને ગપગોળામાં ખપાવવા જેવી વાત ક્યાંથી આવી કેવો વિચાર કરીને વિરોધી ભાવ પણ અનુભવશે. માણસના મનમાં ન જાણે આ મથાળાના કેટકેટલા પ્રત્યાઘાત પડશે. મેં તો તેનો થોડોક ચિતાર જ રજૂ કર્યો છે. કોઇ ના કલ્પેલી, ના માનેલી, કે ના જાણેલી વાત માણસની આગળ રજૂ થાય ત્યારે તેના સ્વાભાવિક પ્રત્યાઘાતો એવા જ પડતા હોય છે, તે સમજી શકાય તેમ છે. છતાં પણ જે સત્યપ્રેમી, સંશોધનશીલ, જિજ્ઞાસુ ને સારગ્રાહી સ્વભાવના છે તેમને આ મથાળામાં ઘણું નવું જાણવા જેવું દેખાશે, તેમની માનસિક પ્રસન્નતામાં વધારો થશે અને આજ સુધી આત્મકથાના વાંચનના અનુસંધાનમાં આવો રસિક ને નૂતન વિષય મળવા બદલ તે આનંદ અનુભવશે. સાધનાની, બોધની દૃષ્ટિએ આ વિષયનું મહત્વ તે સમજી જશે. આ પ્રમાણે અનેક પ્રકારના પ્રત્યાઘાતોનો ખ્યાલ હોવા છતાં મને જે અનુભવવા ને જાણવા મળ્યું છે તેની રજૂઆત હું પ્રામાણિકતા ને નમ્રતાથી કરી રહ્યો છું. મને જે અનુભવવા મળ્યું છે તેનો ઉલ્લેખ કરવામાં મને કાંઇ ખોટું નથી લાગતું. એ ઉલ્લેખ કે સ્પષ્ટીકરણ ભારે રસપૂર્વક વંચાશે તેની મને ખાતરી છે.

કેટલાક માણસો હૃદય કે મનને બિલકુલ બંધ કરી રાખે છે. એટલે તે નવા વિચાર ને નવી હવા માટે કોઇ અવકાશ કે તક રાખતા નથી. પોતે પસંદ કરેલા ને સેવેલા જૂના વિચારોનું જતન કરીને જળોની જેમ જાળવવામાં જ તેમને આનંદ આવે છે. તે વિચારોને તપાસવાની કે મૂલવવાની ટેવ તેમને પસંદ નથી હોતી. તેવા પ્રયાસનો તેમને ભારે અણગમો પણ હોય છે. પરિણામે કેટલાક મિથ્યા વિચારોને તે વળગી રહે છે ને સારા વિચારોથી વંચિત રહે છે. જેને સત્યની પ્રાપ્તિમાં ને જીવનના વિકાસમાં રસ છે, તેણે એવી વૃત્તિથી દૂર ને ચેતતા રહેવાની આવશ્યકતા છે. સત્યને ગ્રહણ કરવા ને સમજવા દિલને ખુલ્લું રાખવાની અનિવાર્ય આવશ્યકતા છે. બધા પ્રકારના પૂર્વગ્રહથી મુક્ત બનવાની ને નવા વિચારના પ્રવેશ માટે હૃદયનાં બારી બારણાંને સદા ખુલ્લાં રાખવાની જરૂર છે. મોહ નવા ને જૂના - કશાનો ના હોવો જોઇએ પણ વિવેક બંનેના સંબંધમાં લાગુ પાડવો જોઇએ. તો જ જે સાચું હોય તે સમજાય, વિચારાય ને અપનાવાય. માણસે - ખાસ કરીને જિજ્ઞાસુએ આટલું જાણી લેવાની જરૂર છે.

ગાંધીજી વિશે આજ સુધી ઘણું ઘણું લખાયું છે. તેમના જીવન ને કાર્યની પ્રશસ્તિ તથા વિવેચનમાં પુસ્તકોનાં કેટલાંય પૃષ્ઠો ભરાયાં છે. તેમને કોઇએ બુદ્ધ તો કોઇએ ઇશુની સાથે પણ સરખાવ્યા છે. તે એક મહાન સંત, દેશપ્રેમી, માનવપ્રેમી ને કર્મયોગી હતા, તેમાં શંકા નથી. એવા મહાપુરુષનો પૂર્વજન્મ પ્રભુપરાયણ ને મહાન હોય એટલું તો સહેજે સમજી શકાય તેમ છે. મને તેમના પૂર્વજન્મનું જે જ્ઞાન થયું છે તે આપોઆપ જ મળ્યું છે. મતલબ કે તેને પ્રાપ્ત કરવા માટે મેં કોઇ જાતની ઇચ્છા નથી કરી. તેને મેળવવાનો સંકલ્પ કરીને હું કોઇ વિશેષ પ્રકારના ધ્યાનમાં નથી બેઠો કે કોઇ ખાસ સાધનાના ક્રમનો આધાર પણ નથી લીધો. એ જ્ઞાનનો અનુભવ મને સહજ રીતે પ્રભુની કૃપાથી જ થયો છે. ને પરિણામે જે વસ્તુની કલ્પના પણ ન હતી તે વસ્તુ મને જાણવા મળી છે. એ અનુભવને ટુંકમાં કહી બતાવું.

તારીખ ૨૬ ઓગષ્ટ ૧૯૫૭ ને સોમવારે રાતે એક વાગે મને એ અનુભવની પ્રાપ્તિ થઇ. તે વખતે હું ઋષિકેશમાં હતો. રાતે ધ્યાનમાં બેઠેલો ત્યારે મારા ચિત્તનો લય થઇ ગયો ને તે દશામાં મને એક આકસ્મિક અનેરું દર્શન થયું. એક નાની સરખી છતાં સુંદર નદી હતી. તેને કિનારે નાની સરખી મઢૂલી. તેમાં એક સુંદર આસન પર ગાંધીજી બેઠેલા. તેમને જોઇને મને અત્યંત આનંદ થયો. તેમના મુખ પર ઉંડી શાંતિ છવાયેલી. તે વખતે બહારથી કોઇએ મીઠા સ્વરે ગાવા માંડ્યું ...

નરસૈંયો આ જન્મ લઇને મોહનદાસ થયો;
નરસૈંયો આ વેશ લઇને મોહનદાસ થયો.

લાંબા વખત સુધી એ પંક્તિ મેં સાંભળ્યા કરી. એના અનુસંધાનમાં કોઇએ મને કહ્યું કે મહાત્મા ગાંધી પૂર્વજન્મમાં નરસિંહ મહેતા હતા. ભક્ત નરસિંહ મહેતા પોતે જ ગાંધીજીનું રૂપ અને નામ ધારણ કરીને લોકહિત માટે પ્રકટ થયેલા. મારા મનમાં તે વાત તરત જ ઉતરી ગઇ. દેહાતીત દશામાંથી જાગૃતિમાં આવતાં એ અનુભવનો વિરોધ કરવાનું કોઇ કારણ ન રહ્યું.

લગભગ વીસેક મિનીટ પછી એ અનુભવનો અંત આવ્યો ને મને ભાન આવ્યું. એ અનુભવને પરિણામે મને અત્યંત આનંદ થાય એ સ્વાભાવિક હતું. ઇશ્વરે પોતે કૃપા કરીને કોઇ પણ જાતની વિશેષ ઇચ્છા કે સાધના વિના મને આવી અગત્યની કીમતી વાત જણાવી તે સાચેસાચ મારું સદભાગ્ય હતું. મારી આંખ સામે હિમાલયની લીલીછમ પર્વતમાળા અડગપણે ઉભેલી ને ગંગા રમી રહેલી. દેહાતીત દશામાં જોયેલી તેવી જ કોઇ સુંદર નદી ને તેના તટપ્રદેશ પરની પેલી ગાંધીજીના સ્વરૂપ સાથેની મઢૂલી મને યાદ જ હતી. રાત્રિની એ અનેરી અસીમ શાંતિમાં ભક્ત કવિ નરસિંહની પેલી સુમધુર સુરાવલિ મારા સ્મૃતિપટ પર એક વાર ફરીથી તાજી થઇ -

હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે;
નિત સેવા નિત કીર્તનઓચ્છવ, નિરખવા નંદકુમાર રે.

એ પંક્તિમાં ભક્ત શિરોમણી નરસિંહના પુનર્જન્મનું રહસ્ય સમાયેલું છે. હરિના જનને મુક્તિ માંગવાનું કોઇ કારણ રહેતું નથી. પ્રભુને પામી કે ઓળખીને તે મુક્તિના સ્વામી તો થયા જ હોય છે, પરંતુ પ્રભુનો મહિમા ફેલાવવા ને પ્રભુનું કામ કરવા પોતાની સ્વતંત્ર ઇચ્છાથી ફરીફરી શરીરો ધારણ કરે છે. સંત તુલસીદાસે તેવા મહાપુરુષોને માટે કહ્યું છે કે 'મુક્તિ નિરાદર ભક્તિ લુભાને.'

નરસિંહ જેવા પ્રભુભક્તનો જન્મ લોકહિત માટે જ હોઇ શકે, તેમજ મહાત્મા ગાંધીજી જેવા ભવ્ય ને વિશાળ રૂપમાં જ તેની પુનરાવૃતિ પણ થઇ શકે, તે વાત તો સહેજે સમજી શકાય છે.

મહાત્મા ગાંધીજીના પૂર્વજન્મનાં જ્ઞાનનાં ઉપર્યુક્ત અનુભવ પછી મને થોડાક વિચારો સહજ રીતે આવી ગયા. તેમનો ઉડતો ઉલ્લેખ અહીં કરી લઉં તો તે અસ્થાને નહીં ગણાય, બલકે બંધબેસતો જ અવશ્ય લાગશે.

ગાંધીજી નરસિંહ મહેતાના અવતાર હતા એ અનુભવ મળ્યા પછી નરસિંહ મહેતાનું પેલું પદ મને વારંવાર યાદ આવ્યું : 'વૈષ્ણવજન તો તેને કહિયે.' ગાંધીજીને એ પદ કેટલું બધું ગમતું હતું તે તો સૌ કોઇ જાણે છે જ. તેમની નિત્ય પ્રાર્થનામાં અને આશ્રમ ભજનાવલિમાં તેમણે તેને સ્થાન આપ્યું હતું. એકલું સ્થાન આપીને બેસી રહ્યા ન હતા, પરંતુ તેને જીવનમાં ઉતારવા કે સાકાર કરવા બનતો પ્રયાસ કરતાં હતાં. નરસિંહ જેવા ગુજરાતી ભાષાના મહાન કવિના એ પદને પ્રસિદ્ધિમાં લાવવાનું કામ એટલા વિપુલ પ્રમાણમાં તેમણે જ કર્યું. એને કોઇ અકસ્માત કહો, કલ્પના કહો કે ગમે તે કહો, પરંતુ તેમના પૂર્વજન્મની માહિતીના પ્રકાશમાં આ વાત ખાસ રસપ્રદ થઇ પડે તેવી અને વિચારવા જેવી છે.

નરસિંહ મહેતાના પ્રભાતિયાં ગુજરાતી સાહિત્યમાં અજોડ છે. પ્રેમાનંદના પેંગડામાં પગ ઘાલે તેવો કોઇ કવિ પાક્યો નથી એવું જેમ કહેવામાં આવે છે તેમ નરસિંહ મહેતાના પ્રભાતિયાના સંબંધમાં પણ સહેજ પણ સંકોચ સિવાય કહી શકાય. કીર્તન ભક્તિ અને તેમાંયે સમુહ કીર્તન નરસૈંયાને ખૂબ જ ગમતું. નરસિંહની તે કીર્તનપ્રિયતા ગાંધીજીને વારસામાં મળી. ફક્ત તેની સુધારાવધારા સાથેની સમયની આવશ્યકતા પ્રમાણેની અભિનવ આવૃત્તિ બહાર પડી એટલું જ. ગાંધીજીની સવાર સાંજની જાહેર સમૂહ પ્રાર્થનાઓને સંકીર્તનનું એક પ્રકારનું એવું જ સંશોધિત, સંવર્ધિત સ્વરૂપ કહી શકાય.

'હરિજન' શબ્દનો પ્રયોગ નરસિંહે સૌથી પ્રથમ કરેલો તે તો તેના સાહિત્યના રસિકો સહેજે જાણી શકશે. ગાંધીજીએ પોતાના જમાનાના પરિબળોને લક્ષમાં લઇને હરિજનની સેવા અને અસ્પૃશ્યતા નિવારણનું કામ વિશાળ પાયા પર શરૂ કર્યું. નરસિંહે રાજકારણમાં ભાગ નથી લીધો એ સાચું પણ ગાંધીજીને માટે રાજકારણમાં પ્રવેશ અનિવાર્ય બન્યો ને તે પ્રવેશ તેમણે સંત તરીકે ચાલુ રહીને કર્યો, નરસિંહના માણેકબાઇ કેવા હતાં તેની આપણને ખાસ ખબર નથી પણ ગાંધીજીને કસ્તુરબાએ સર્વપ્રકારે સાથ આપ્યો.

જન્મ માટે બન્નેએ સૌરાષ્ટ્રને જ પસંદ કર્યું. એકે જૂનાગઢ અને બીજાએ પોરબંદરને. એક કૃષ્ણભક્ત છતાં જ્ઞાની - બીજા 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ' માનીને કર્મ કરતાં કરતાં રામમાં મનને રાખવામાં માનનારા. નરસિંહે પ્રભુદર્શન કર્યું પણ ગાંધીજીને તેવા દર્શન અને તેવા તપની જરૂર નહિ હોય. તેમણે ટૂંકા વખતમાં લોકહિતનું મોટું કામ કરવાનું હતું. તેથી તેમનું દર્શનનું પાસું કોરું જ રહ્યું. પણ પૂર્વજન્મમાં તે પ્રભુની પૂર્ણ કૃપા પામ્યા હોવાથી વર્તમાન જન્મમાં પણ તેમનું મન સદા પ્રભુપરાયણ રહ્યું.

આ વિચારો બંને વચ્ચેનું સામ્ય બતાવવા માટે નથી, પણ સહજ રીતે જ સ્ફુરેલા છે. માનવના પ્રત્યેક જન્મમાં બધાં તત્વોનું સામ્ય હોય છે જ એવું નથી. કોઇ વાર તેમાં દેખીતો વિરોધ પણ લાગે. બે કે વધારે જન્મોની એકવાક્યતા અથવા સગાઇ સિદ્ધ કરવા તે જન્મોમાં જે સમાન તત્વો કે લક્ષણો હોય તે બહાર લાવવાં જ જોઇએ એવું કશું જ નથી. એક વ્યક્તિના બે જન્મોમાં કેટલીક વાર કેટલાંક વિરોધાભાસી તત્વો પણ મળી આવે. જમાનાની જરૂરત પ્રમાણે દરેક જન્મનું બાહ્ય સ્વરૂપ જરા જુદું પણ લાગે. ગાંધીજી અને નરસિંહની કેટલીક ખાસ વાતોનો ઉલ્લેખ આપણે આ અગાઉની ચર્ચાવિચારણામાં સહજ રીતે જ કરી લીધો.

મેં શરૂઆતમાં જ કહી દીધું છે કે ગાંધીજીના પૂર્વજન્મનો અનુભવ મને ઇશ્વરની કૃપાથી કોઇ ખાસ પ્રયાસ વિના આપોઆપ જ થયો છે. એ અનુભવ પછી એ જ ભાવાર્થના બીજા અનુભવો પણ થયા છે. તેથી મને પૂરેપૂરો સંતોષ છે. આ જ્ઞાન મને મારી અંતરંગ દુનિયામાંથી મળ્યું હોવાથી તે વિશે મને કોઇ જ શંકા નથી. તેમાં મારી શ્રદ્ધા દૃઢ અને અડગ છે. જે જણાયું છે તે જ સત્યને વફાદાર રહીને આ પ્રકરણમાં મેં અંકિત કર્યું છે. સૌએ તેને માનવું જ જોઇએ એવો મારો દુરાગ્રહ નથી અને ના હોઇ શકે. આધ્યાત્મિકતા અને આત્મિક સાધનાની સેવાની દૃષ્ટિએ આ અનુભવ અતિશય અગત્યનો છે એમ હું માનું છું ને તેથી જ તેને પ્રકટ કરું છું. આજે પણ એ મીઠી પંક્તિ મનમાં ગૂંજી રહી છે :

નરસૈંયો આ જન્મ લઇને મોહનદાસ થયો;
નરસૈંયો આ વેશ લઇને મોહનદાસ થયો.
ભક્ત નરસિંહ અને મહાત્મા ગાંધીજી બંને મહાપુરુષોને મનોમન પ્રેમથી અંજલિ આપીને આ પ્રકરણ પૂરું કરું છું.

 

 

Today's Quote

When I admire the wonders of a sunset or the beauty of the moon, my soul expands in the worship of the creator.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok