ઈશ્વરનો સાક્ષાત્કાર

એક ભાઈ પોતાના પત્રમાં લખે છે: પહેલાં તો મને લાગતું’ તું કે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો એ રમત વાત છે. તેમાં કોઈ મોટા પરાક્રમની જરૂર નથી પડતી. ઈશ્વરનું દર્શન ચપટી વગાડતામાં થઈ શકે છે. પરંતુ બેત્રણ મહાપુરૂષોનાં જીવનચરિત્ર વાંચ્યા પછી હવે મને લાગે છે કે ઈશ્વરનો સાક્ષાત્કાર કોઈ ધારવા જેટલી સહેલી વસ્તુ નથી. તેની ગંભીરતાનો મને ખ્યાલ આવ્યો છે. તેને માટે કેટલો બધો પ્રેમ જોઈએ, દ્રઢ કે મક્કમ નિર્ધાર જોઈએ. સમર્પણભાવ કે ભોગ આપવાની કેટલી બધી તૈયારી જોઈએ, લગન તથા મહેનત જોઈએ, તેનો પહેલાં મને આટલો સ્પષ્ટ ખ્યાલ ન હતો. હવે સાચું રેખાચિત્ર મારી નજર આગળ આવી ગયું છે.

સાચું છે. ઈશ્વરસાક્ષાત્કાર કોઈ રમત વાત છે અને ચપટી વગાડતામાં થઈ શકે છે એવું કેટલાય અનુભવવિહોણા માણસોનું માનવું છે. એવી માન્યતાને લીધે કેટલાંક ક્ષણિક આવેશ કે ઉશ્કેરાટને વશ થઈને કેટલીક વાર ઘરનો ત્યાગ પણ કરતાં હોય છે. એમના મનમાં એમ હોય છે કે ત્યાગ કરીને એકાંત અને શાંત સ્થાનમાં રહેવા જઈશું એટલે તરત જ ઈશ્વરનું દર્શન થઈ જશે. ઈશ્વર આપણી રાહ જોઈને જ ઊભો હશે, પરંતુ વાસ્તવિકતાનો સામનો કરવાનો વખત આવે છે ત્યારે તેમને ખબર પડે છે કે વાત ધારવા જેટલી સહેલી નથી. એકાંતસેવનનાં કષ્ટો, એકાંતસેવનને પરિણામે થનારી નાનીમોટી સમસ્યાઓ, અને સાધનાની સફળતામાં થતા વિલંબને લીધે એમનો ઉત્સાહ ઓસરી જાય છે, એ નાહિંમત ને નિરાશ થાય છે. તથા કેટલીક વાર પોતાની જાતમાંથી-ઈશ્વરમાંથી તેમ જ સાધનામાંથી શ્રદ્ધા ખોઈ બેસે છે. એમાં ઈશ્વરનો કે સાધનાનો દોષ નથી હોતો; પરંતુ એમનો પોતાનો જ દોષ હોય છે એ સહેલાઈથી સમજી શકાય તેવી વાત છે. તેમના ખોટા ખ્યાલો, ભાવો કે વિચારો જ એને માટે જવાબદાર હોય છે.

એટલે પહેલેથી જ સમજી લેવાની જરૂર છે કે ઈશ્વરનો સાક્ષાત્કાર કોઈ રમત નથી. તે વાતવાતમાં કે ચપટી વગાડતાંમાં થઈ જાય એમ પણ નથી. તેને માટે મોટામાં મોટી તૈયારી જોઈએ છે, યોગ્યતા જોઈએ છે, ને લાંબા વખતના એકધારા શ્રદ્ધાપૂર્વકના પુરૂષાર્થની જરૂર પડે છે. એવી યોગ્યતાથી સંપન્ન નહિ હોય એવા સાધકોને ઈશ્વરના સાક્ષાત્કારના માર્ગમાં નિરાશા જ મળશે એ દેખીતું છે. ઉપનિષદમાં કહ્યું છે કે 'તદ્ દૂરે તદ્વન્તિકે’ ઈશ્વર દૂર પણ છે અને સમીપ પણ છે. એ કથનનો ભાવાર્થ સમજી લેવાની જરૂર છે. ઈશ્વર સૌના હૃદયમાં રહેલા છે અને પ્રાણની પણ પાસે છે. એટલું જ નહિ, એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ઈશ્વર ન હોય. જડ અને ચેતનમાં એ વ્યાપક છે. છતાં પણ સમીપમાં સમીપ રહેલા એ ઈશ્વરનો સાક્ષાત્કાર કેટલાને થાય છે ? જે પોતાના હૃદયને નિર્મળ કરે છે. મન અને ઈન્દ્રિયો પર કાબૂ મેળવે છે, વિવેકી બને છે, અને પ્રેમના પાવન પ્રકાશને પ્રકટ કરે છે તે સમીપસ્થ પરમાત્માનો પરિચય કરી શકે છે. બાકી જે સદાચાર ને નીતિથી વિરુદ્ધ મનસ્વી રીતે જીવે છે, કુકર્મ કરે છે, જેમના દિલમાં પરમાત્મા માટેના પરમ પ્રેમનો ઉદય નથી થતો, તથા જે અવિવેકી છે, ભ્રાંત છે ને જરૂરી શ્રદ્ધા, ભક્તિ તથા સાધનાથી સંપન્ન નથી, તેને માટે પરમાત્મા પાસે હોવા છતાં કોસો દૂર છે. એટલે પરમાત્માને પાસે રાખવા કે દૂર રહેવા દેવા એ માણસના પોતાના હાથમાં છે. તે જેવી જાતનું જીવન જીવશે ને જેવી યોગ્યતા પેદા કરશે તેના પર તેનો આધાર રહેશે.

પરમાત્માના સાક્ષાત્કાર અથવા તો ઈશ્વરના દર્શનનું કામ કઠિન અથવા તો અશક્ય એટલા માટે લાગે છે કે માણસની અંદર એને માટેની પૂરતી તૈયારીનો અભાવ છે. ઈશ્વરને માટેનો જે ઉત્કટ પ્રખર પ્રેમ જોઈએ તે પ્રેમ એની અંદર પ્રકટ નથી થયો એને લીધે એનું હૃદય ઈશ્વરને માટે રડતું નથી, તલપાપડ બનતું નથી કે આકુળવ્યાકુળ નથી થતું. પછી એને ઈશ્વરદર્શન કેવી રીતે થાય ? ઈશ્વરના દર્શન માટે મીરાંબાઈ, રામકૃષ્ણ પરમહંસ અને ચૈતન્ય મહાપ્રભુ જેવી વેદના કે લગની, નરસિંહ મહેતા જેવી ભક્તિ તથા તુકારામના વૈરાગ્ય જેવા વૈરાગ્યની જરૂર છે. એ ઉપરાંત શ્રી અરવિંદના જેવી એકાંતિક સતત સાધના પણ અનિવાર્ય છે. એવો પ્રેમ, એવી વેદના, લગની, ભક્તિ, વૈરાગ્યભાવના કે સાધનાપરાયણતા મોટા ભાગના માણસોમાં પેદા જ ક્યાં થાય છે ? એટલે મોટા ભાગના માણસોને માટે ઈશ્વર દૂર ને દૂર જ રહે છે. એમને ઈશ્વરને પાસે લાવવાની કે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા જ નથી હોતી. જેમની ઈચ્છા હોય છે તેમની ઈચ્છા આવશ્યક સાધનોને અભાવે અધૂરી જ રહી જાય છે. એમનામાં પણ એવો ઉત્કટ પ્રેમ, વૈરાગ્ય ને પુરુષાર્થ ભાગ્યે જ મળે છે. પછી ઈશ્વરનું દર્શન કેવી રીતે થાય ? ચપટી વગાડતામાં કે રમત વાતમાં તો થાય જ ક્યાંથી ?

માણસના મનમાં કાંઈ એક પ્રકારની ઈચ્છા હોય છે ? અનેક પ્રકારની દુન્યવી ઈચ્છાઓ એમાં રાસ રમ્યા કરતી હોય છે. ભાતભાતના ને જાતજાતના વિચારો તથા ભાવો એમાં પ્રકટ થાય છે અને એની લાલસાઓનો પણ અંત નથી હોતો. એમને લીધે મન સદાયે ડહોળાયેલું રહે છે. એ વિચારો, ઈચ્છાઓ, લાલસાઓ કે ભાવો શુભ કે અશુભ એ વાત જવા દઈએ તોપણ, એટલી વાત તો ચોક્કસ છે કે એમને ઠેકાણે ઈશ્વરીય ભાવો ને વિચારો પેદા થવા જોઈએ અને ઈશ્વરદર્શનની ઉત્કટ ઈચ્છા કે લાલસાનો આવિર્ભાવ થવો જોઈએ. ઈશ્વરના દર્શન માટેની એ એક અતિ આવશ્યક પૂર્વશરત છે. પરંતુ એ શરતના પાલનમાં મોટા ભાગના માણસો જ નહિ, સાધકો પણ પાછા પડે છે. દુન્યવી આકર્ષણો, સ્નેહસંબંધો, વાસનાઓ, મમતાઓ ને તૃષ્ણાઓમાંથી એ ઊંચા જ નથી આવતા. હવે તમે જ વિચાર કરો કે એમને માટે ઈશ્વરદર્શન શું સરળ વસ્તુ બની શકે તેમ છે ? ઈશ્વરદર્શનની ઈચ્છા રાખનારા સાધકોએ પોતાના અંતરનું ઊંડું નિરીક્ષણ કરવું પડશે. એમાંથી બધી જાતની લૌકિક લાલસાઓ, તૃષ્ણાઓ, આકાંક્ષાઓ, આસક્તિઓ અને રસવૃત્તિઓને ક્રમેક્રમે ને કઠોર બનીને કાઢી નાખવાં પડશે અને એની અંદર એક ઈશ્વરની જ ઈચ્છા, વાસના, લાલસા, તૃષ્ણા, આસક્તિ ને રસવૃત્તિને પ્રસ્થાપિત કરવી પડશે. અંતરના છૂપામાં છૂપા ખૂણામાં અને રોમેરોમમાં સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોવામાં આવે કે એક્સ-રે ક્લિનિકમાં તપાસવામાં આવે તોપણ, એક ઈશ્વરના પ્રેમ તથા ઈશ્વરની લગન વિના બીજું કાંઈ જ ન દેખાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું પડશે.

આજે તો પરિસ્થિતિ એકદમ ઊલટી છે. સૂક્ષ્મદર્શક યંત્રની કે એક્સ-રે ક્લિનિકની મદદ વિના જ સહેલાઈથી કહી શકાય તેમ છે કે માણસના મનમાં, અંતરમાં, રોમેરોમમાં ને જીવનના પ્રત્યેક પાસામાં કે વ્યવહારમાં બીજું બધું જ દેખાય છે પરંતુ ઈશ્વર નથી દેખાતો અથવા છે તો ભૂલેચૂકે ક્યાંક કોઈક વિરલ પળ, ધન્ય ઘડી, નક્ષત્ર કે પ્રહરમાં. ઈશ્વરદર્શન માટેની પૂર્વભૂમિકા એવી પાંગળી ન જ હોઈ શકે. એવી ભૂમિકાને પરિણામે ઈશ્વરનું મંગલમય દર્શન ન થઈ શકે તો તેમાં ઈશ્વરનો નહિ પરંતુ એ ભૂમિકાનો જ દોષ છે એ નક્કી સમજી લેવું.

યોગ્ય ભૂમિકા તૈયાર થાય તો ઈશ્વરનો સાક્ષાત્કાર સહજ બની જાય છે એ વાતને યાદ રાખીને નિરાશા અને નિર્મળતાને ખંખેરી કાઢીને એવી ભૂમિકાની તૈયારીમાં લાગી જવાની જરૂર છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Change your thoughts and you change your world.
- Norman Vincent Peale

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.