if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
આત્મવિકાસની સાધનામાં રુચિ રાખનારા સાધકો માટે બીજી મહત્વની વાત ઉત્સાહની છે. કોઈ પણ કાર્યમાં અને એમાં પણ આત્મોન્નતિની સાધનામાં કાર્યમાં ઉત્સાહ ન હોય તો કેમ ચાલે ? કેટલાય સાધકો રગશિયા ગાડાની પેઠે કોઈ પણ પ્રકારના તરવરાટ, કોઈ પણ પ્રકારની પ્રસન્નતા કે લગની સિવાય સાધના કરે છે, એમની સાધનામાં જોઈએ તેટલો વેગ નથી હોતો. એમને સાધનાનો આવશ્યક આનંદ પણ નથી મળતો. સાધનાનું કાર્ય જીવનની વિશુદ્ધિનું, આત્માનુભૂતિનું અથવા જીવના શિવ સાથેના સંબંધમાં સ્વાનુભવનું એક અત્યંત આવશ્યક અને પવિત્ર કલ્યાણકારક કાર્ય છે એવું સમજીને એમાં બને તેટલા વધારે ને વધારે પ્રેમથી પ્રવૃત્ત થવું જોઈએ અને એનો ઉત્સાહપૂર્વક આધાર લેવો જોઈએ. કોઈક મંગલ લૌકિક કર્મમાં પ્રવૃત્ત થવાનો પ્રસંગ આવે છે ત્યારે કેટલો ઉત્સાહ થાય છે ? તે દિવસે વહેલા ઊઠી પરવારીને સારો પોશાક પહેરીને અને અન્ય અનેક રીતે અંતરના સાચા કે ખોટા, સામાન્ય અથવા અસામાન્ય આનંદની અભિવ્યક્તિ કરવામાં આવે છે. તો પછી આ તો આત્મવિકાસના અલૌકિક કર્મમાં પ્રવૃત્ત થવાનું છે. એમાં જો એવો અથવા એથી વધારે ઉત્સાહ રાખવામાં ન આવે તો કેમ ચાલે ?

જે સાધના કરવામાં આવે તે ઉત્સાહપૂર્વક કરવી જોઈએ. સાધનાત્મક અભ્યાસ કરતી વખતે એવું માનવું જોઈએ કે આજે તો સાધના જરૂર સફળ થશે, મન બહારના બીજા બધા જ તર્કવિતર્કોને છોડીને સ્થિર અથવા એકાગ્ર બનશે, સાધનામાં રસ લેતું થશે, બીજું બધું જ ભૂલી જશે, અને અસાધારણ અનુભવ મેળવશે. આજે તો અલૌકિક રસની, શાંતિની, આનંદની પ્રાપ્તિ થશે. આજે પરમાત્માની પ્રસન્નતા પામી લેવાશે. પરમાત્મા પોતાની કૃપાવર્ષા વરસાવવા તૈયાર છે. એમની એ અલૌકિક કૃપાવર્ષાનો દેવદુર્લભ આજે મને જપ કરતી વખતે, ધ્યાન ધરતી વખતે અને પ્રાર્થના જેવા અંતરંગ અભ્યાસક્રમનો આધાર લેતી વખતે અવશ્ય મળશે.

સાધનાના આરંભમાં ઉત્સાહ, વચગાળાના વખતમાં ઉત્સાહ અને અંતે પણ ઉત્સાહ. ઉત્સાહ અને ઉત્સાહ વિના બીજું કાંઈ જ નહિ. ગમગીની, બેચેની કે નીરસતાનું નામ નહિ. બસ આનંદ, આનંદ, અખંડ આનંદ. શાંતિ જ શાંતિ. સનાતન શાંતિ. ઉત્તરોત્તર વધારે ને વધારે શાંતિ. જીવનની ધન્યતાની, શરીરધારણની સફળતાની અનુભૂતિ. એક પ્રકારની અપાર્થિવ ઊંડી સંતૃપ્તિ. ધારેલી ભૂમિકાની પ્રાપ્તિ થાય કે ન થાય અથવા ઈચ્છા પ્રમાણેનો અસાધારણ અનુભવ મળે કે ન મળે તોપણ એ ઉત્સાહમાં ઓટ નથી આવતી. એ સાધકને સદા રક્ષે છે, રસ પ્રદાન કરે છે અને શક્તિ બક્ષે છે.

પ્રવાસીને ચાલવાનું  તો હોય છે જ. એણે નિર્ધારિત પંથ પૂરો કરવો પડે છે. પછી એ હસીને પૂરો કરે કે રડીને, ઉલ્લાસથી પૂરો કરે કે અવસાદથી, હિંમતથી પૂરો કરે કે નાહિમ્મતથી, અને કાયરની પેઠે નિસાસા નાખતાં પૂરો કરે કે વીરની પેઠે સંકટોનો સામનો કરતાં, પ્રતિકૂળતા તથા પીડામાંથી પસાર થતાં. જે હસીને, હિમ્મતથી, વીરની પેઠે ચાલે છે તેનો પ્રવાસ સહેલો અને સરળ બને છે તથા સુખમય થાય છે. જીવનના સર્વોત્તમ સાધનાપ્રવાસનું પણ એવું જ છે. એ પ્રવાસનો આધાર લેનાર પણ નિતનવા ઉત્સાહપૂર્વક આગળ વધે એ અતિશય આવશ્યક છે. એવી રીતે આગળ વધવાનું એને માટે આશીર્વાદરૂપ થઈ પડશે.

ઉત્સાહ અને આત્મવિશ્વાસ પરસ્પર પૂરક છે. જેમજેમ આત્મવિશ્વાસની અભિવૃદ્ધિ થાય છે તેમતેમ ઉત્સાહ વધે છે, અને ઉત્સાહથી પુષ્ટિ પામેલો આત્મવિશ્વાસ બળવત્તર બનતો જાય છે. સાધનામાં જુદી જુદી જાતના સ્વાનુભવો થતા જાય છે તેમતેમ ઉત્સાહ અને આત્મવિશ્વાસ બંને વધે છે ને પ્રતીતિકર થઈ પડે છે. ઉત્સાહને ટકાવવામાં ને વધારવામાં સાધનાની અને એના ધ્યેયની જરૂરી સમજણ પણ ઉપયોગી થઈ પડે છે. ગમે તેમ કરીને પણ પ્રાપ્ત કરેલો સાધનાનો એ એકધારો, અખંડ, અદમ્ય ઉત્સાહ સાધકને જરૂરી પીઠબળ પૂરું પાડે છે અને એની ઢાલ બને છે; કારણ કે એ ઉત્સાહને લીધે એ દ્વિગુણિત ગતિથી આગળ વધે છે, સાધનાનો રસ ટકાવી શકે છે. પ્રતિકૂળતાઓ, નિરાશાઓથી નાસીપાસ નથી થતો, તથા સિદ્ધિપ્રાપ્તિ માટે ગમે તેટલો વધારે વખત લાગે ને વિશેષ ભોગ આપવો પડે તોપણ સાધનાની શ્રદ્ધાને નથી ખોતો. એ ઉત્સાહથી પ્રેરાઈને સાધનાત્મક પ્રવાસ પૂરો ન થાય ત્યાં સુધી આગળ ને આગળ વધ્યે જ જાય છે. ઉત્સાહને લીધે એ ગમે તેવું ને તેટલું સમર્પણ કરવું પડે તોપણ સ્મિતપૂર્વક ને શાંતિ સહિત કરવા માટે તૈયાર રહે છે.

જેણે સાધના દ્વારા સફળતાનાં સર્વોત્તમ શકવર્તી શિખરો સર કર્યાં એ કાંઈ જેવી તેવી માટીમાંથી નહોતા બનેલા. એમનું મનોબળ અભૂતપૂર્વ અને અદ્ ભુત હતું. એમનાં ઉરમાં ઉત્સાહનો ઉદધિ ઊછળી રહેલો. એમની નસેનસમાં લગન ભરેલી. એમના પ્રાણનો પ્રત્યેક પરમાણુ તરવરાટથી ભરેલો. એ ઉત્સાહથી પ્રેરાઈને જ એ અનવરત રીતે આગળ વધેલા, એમના જીવનમાંથી પ્રેરણા મેળવીને બીજાએ પણ ઉત્સાહસંપન્ન બનવું રહ્યું.

- શ્રી યોગેશ્વરજી


We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.