Text Size

ગુરૂની આવશ્યકતા છે કે નહિ ?

ગુરૂની આવશ્યકતા છે કે નથી એ પ્રશ્ન કોઈ-કોઈ સાધકને સતાવ્યા કરે છે. કોઈ-કોઈ સાધક તરફથી એ પ્રશ્ન પુછાય છે પણ ખરો. આમ તો એ પ્રશ્નમાં ન સમજાય એવું અટપટું કશું જ નથી, અને એ પ્રશ્ન એમને એટલો બધો ન સતાવત; પરંતુ એમને માટે એ સમસ્યા એટલા માટે ઊભી થઈ છે કે એમના પોતાના વિચારો સ્થિર નથી, અને કેટલાક નામાંકિત, પ્રમાણભૂત તેમ જ વિશ્વસનીય પુરૂષો તરફથી એવા વિચારો વહેતા કરવામાં આવે છે કે ગુરૂની આવશ્યકતા બિલકુલ નથી. ગુરૂ આપણો ઉદ્ધાર કરી શકે એમ નથી માટે ગુરૂ કરવાનો કે કોઈને ગુરૂરૂપે માનવાનો કોઈ અર્થ નથી. પરમસત્યનો પાવન પ્રકાશ માણસની અંદર છે, અને એને આખરે તો પોતાની અંદરથી જ પ્રાપ્ત  થવાનો છે. એ પ્રકાશનું પ્રાકટ્ય કોઈ બીજું નથી કરાવી શકવાનું. માટે બાહ્ય ગુરૂની ઈચ્છા રાખવી નકામી છે. માણસે પોતે જ પોતાના ગુરૂ થવાનું છે.

એવા વિચારોના શ્રવણમનન તથા વાચનના પરિણામરૂપે એમના મનમાં હલચલ પેદા થાય છે ને ખળભળાટ મચે છે. એમની માન્યતા ને શ્રદ્ધાના પાયા હાલવા માંડે છે. ગુરૂ માટેની ઊંડી ભાવના કે લાગણી એમનાં દિલમાંથી મટતી નથી, અને સાથેસાથે નામાંકિત તથા પ્રમાણભૂત કહેવાતા પેલા માન્ય ઉપદેશકોના ઉપદેશ પણ એમને ગળે જોઈએ એટલા પ્રમાણમાં નથી ઊતરતા. એટલે એમની દશા ત્રિશંકુના જેવી થઈ જાય છે. નથી એ ગુરૂનો કે ગુરૂ કરવાની ભાવનાનો ત્યાગ કરી શકતા, કે નથી ગુરૂમાં જેવી જોઈએ તેવી શ્રદ્ધા જાગ્રત કરી શકતા. હિંચકાની પેઠે એમની ચિતવૃત્તિ ચંચલ બનીને આમતેમ ઝૂલ્યા કરે છે ને સ્થિરતા ધારણ કરી શકતી નથી. એવા માણસો શંકાશીલ બને, ભ્રાંતચિત્ત થાય, કિંકર્તવ્યવિમૂઢ બને, અને કોઈ વાર અવસર આવતાં પોતાના આત્મસંતોષને માટે, ગુરૂની આવશ્યકતા છે કે નથી એવો પ્રશ્ન પૂછે અને એ પ્રશ્નના ઉત્તરની આશા રાખે એ તદ્દન સ્વાભાવિક છે.

આપણે ત્યાં પ્રગતિવાદ અથવા તો આધુનિકતાને નામે હમણાં-હમણાં જે નવો પવન વાવા માંડ્યો છે તેની એક મોટી ખાસિયત એ છે કે જૂનાનો સદંતર વિરોધ કરે છે, અને એને ઠેકાણે નવું આવવું જોઈએ એવો આગ્રહ રાખે છે. જૂના વિચારો, સિદ્ધાંતો, રિવાજો, ગ્રંથો, અને જૂની વ્યવસ્થાઓ તથા સંસ્થાઓ તેને માન્ય નથી. માટે તેમને ઉખેડી નાખીને કે નિર્મૂળ કરીને નવાની સંસ્થાપના કરવાનો તે આગ્રહ રાખે છે. જૂનું તેટલું બધું સોનું છે એમ કહેવાનો આશય નથી. જૂનામાં ક્યાંક કંચન હોય તો ક્યાંક કથીર પણ હોઈ શકે : ક્યાંક પવિત્ર પારદર્શક પાણી હોય તો ક્યાંક તેના પર જામેલી લીલ પણ હોય : ક્યાંક પ્રજ્વલિત પાવક હોય, ક્યાંક કેવલ સ્ફુલ્લિંગ હોય, તો ક્યાંક રાખ પણ હોય : એમાં અવલોકન, સંશોધન ને સુધારણા માટે અવકાશ હોઈ શકે. એ માટેનો પ્રામાણિક પ્રયાસ આવકારદાયક અને સ્તુત્ય પણ કહેવાય. તેને બદલે જૂનું કથીર છે, માલ વગરનું છે, અને ઉપેક્ષા કરવા યોગ્ય કે કાઢી નાખવા જેવું છે, તથા એ જૂનું છે માટે જ એનો વિરોધ કે ઉપહાસ કરવા જેવો છે, એવું જક્કી ને જડ વલણ અખત્યાર કરવામાં આવે, અને એને જ પ્રગતિવાદ અથવા તો આધુનિકતાની નિશાની માનવામાં આવે, ત્યારે એવા વલણ સાથે આપણે સંમત ન જ થઈ શકીએ અને એવી આધુનિકતાને અંજલિ પણ ન આપી શકીએ.

જૂના અને નવા, પ્રાચીન અને અર્વાચીન - બંનેનો વિચાર પોતાની બુદ્ધિથી તો કરવો જ પડશે. જૂનામાં બધું સારું ન લાગતું હોય તો બધું ખરાબ પણ નથી, અને એવી જ સ્થિતિ નવાની પણ છે. એમાં પણ સારાનરસાનું સંમિશ્રણ જ છે. એટલે બંનેની બાબતમાં નીરક્ષીર ન્યાયને કામે લગાડવો પડશે. જૂનાને ખાતર જૂનાનો આગ્રહ અથવા અસ્વીકાર, અને નવાની ખાતર જ નવા પ્રત્યે સૂગ અથવા અશ્રદ્ધા એ બંને પ્રકારનાં ભયસ્થાનોમાંથી માણસે બચવાનું છે.

બીજી એક અગત્યની વાતનો ઉલ્લેખ કરી લઉં ? જેને પ્રાચીન કહેવામાં આવે છે તે વિચારો, ભાવો, માન્યતાઓ, સિદ્ધાંતો, સંસ્થાઓ અને વ્યવસ્થાઓની પાછળ અનુભવનું પીઠબળ છે. આટલાં બધાં વરસો સુધી તે જીવંત છે તેનું કારણ, કેટલાક કહે છે તેમ, કેવળ પરંપરા, રૂઢિ કે અંધશ્રદ્ધા નથી, કિન્તુ તેમની પોતાની તર્કબદ્ધતા, શક્તિ ને સંગીનતા છે. એટલે તો વારંવારના વિરોધ છતાં તે આજે પણ જીવંત છે. તેમને સહાનુભૂતિથી સમજવાની કોશિશ કરવાને બદલે કાંઈક નવું કહી કે કરી નાખવાની ધૂન કે લગનમાં તેમનો વગર વિચાર્યે વિરોધ જ કર્યા કરશો તો તેમને ધારો છો તેમ ઉખેડીને ફેંકી તો નહિ જ શકો; પરંતુ લોકોના મહામહેનતે ઊભા કરેલા વિશ્વાસને હલાવી નાખશો અને એવી રીતે નુકસાન પહોંચાડશો એ તો નક્કી જ. લોકોને જ્યાં સુધી તમે કોઈ નવી ને વધારે સારી વ્યવસ્થા નહિ આપો ત્યાં સુધી જૂનાનો અંત આણવાના કામમાં તમને સફળતા નહિ જ મળે. તમારી એવી પ્રવૃત્તિથી કોઈ વિશેષ હેતુ પણ નહિ સરે.

ગુરૂની આવશ્યકતાનો સ્વીકાર પૂરતા ચિંતનમનન અને અનુભવ પછી કરવામાં આવ્યો છે. આત્મિક ઉન્નતિની અભીપ્સાવાળી વ્યક્તિને ગુરૂની આવશ્યકતા છે જ. ખાસ કરીને યોગના માર્ગમાં તો ગુરૂ વિના ચાલે જ નહિ. ગુરૂ વિના માર્ગ કોણ બતાવશે, ઉત્સાહ કોણ આપશે, ગૂંચ કોણ ઉકેલશે અને મંઝિલ પર પહોંચવાનું પીઠબળ કોણ પૂરું પાડશે ? સંસારના મોટા ભાગના માણસો ગુરૂની મદદ વિના ભાગ્યે જ આગળ વધી શકશે. તેનાથી ડરવાનું ને તેનો વિરોધ કરવાનું શું કામ છે ? તે તો પિતાતુલ્ય છે, માયાળુ માતા છે, મિત્ર છે, અને માર્ગદર્શક છે. ગુરૂની સંસ્થામાં કોઈ દોષ દેખાતા હોય તો એમને દૂર કરવાના પ્રયાસ જરૂર કરો, પરંતુ ગુરૂનો અથવા એની પાછળની લોકોપયોગી ભાવનાનો વિરોધ શા માટે કરો છો ? એવો વિરોધ કદાપિ સફળ નહિ થઈ શકે.

જીવનમાં એક એવો તબક્કો પણ આવશે જ્યારે બાહ્ય ગુરૂની જરૂર નહિ રહે. પરંતુ તે ક્યારે ? મન જ્યારે નિર્મળ ને સાત્વિક બનશે અને ઈન્દ્રિયોનો સંયમ સહજ થશે, ત્યારે એવું મન માર્ગદર્શકનું કામ કરી શકશે. હૃદયની શુદ્ધિ સધાતાં અંદર રહેલા ઈશ્વરની સાથે સંબંધ બંધાશે, અને ઈશ્વરની પ્રેરણા તથા ઈશ્વરનું પથપ્રદર્શન પ્રાપ્ત થશે. શુદ્ધ થયેલું હૃદય અને એમાં રહેલો ઈશ્વરી પ્રકાશ જ પછી ગુરૂનું કામ કરશે. એવા વિશાળ અર્થમાં કહી શકાય કે માણસ પોતે જ પોતાનો ગુરૂ થઈ શકશે.

કવિ દયારામે ગાયું પણ છે કે
મન તણો ગુરૂ મન કરીશ તો સાચી વસ્તુ જડશે,
દયા-દુઃખ કે સુખ માન પણ સાચું કહેવું પડશે.

પરંતુ એવી ભૂમિકા પર પહોંચેલા સાધકો કેટલા ? આંગળીના વેઢા પર ગણી શકાય એટલા પણ ભાગ્યે જ મળી શકે. મોટા ભાગના લોકો તો હજુ તદ્દન પ્રાથમિક દશામાં, આરંભની ભૂમિકામાં જ જીવી રહ્યા છે. તે પોતાના પ્રકાશદાતાને ઝંખે છે. માર્ગદર્શકની માગણી કરે છે. શ્રદ્ધાસ્પદને માટે શ્રદ્ધાભક્તિથી પ્રાર્થના કરે છે. આગળ વધવાની ઈચ્છા રાખે છે, પરંતુ પ્રગતિનો સાચો ને સ્પષ્ટ ખ્યાલ ન હોવાથી આગળ નથી વધી શકતા. કોઈ આગળ વધ્યા છે તો કોઈ ક્યાંય અટકી પડ્યા છે. એવા બધા લોકોને ગુરૂની જરૂર રહેવાની જ. તે બહારના ગુરૂને બદલે અંદરના અથવા મનના ગુરૂ નહિ કરી શકવાના. એવી રીતે વિકાસ પણ નહિ કરવાના. એટલે તો મનના ગુરૂ માટેની ભલામણ કરનાર દયારામને પણ બહારના ગુરૂ કરવા પડ્યા હતા. પહેલાં બહારના ગુરૂ, પછી અંદરના. બહારના ગુરૂમાં શ્રદ્ધાભક્તિ રાખનારે અંદરના ગુરૂનો સંબંધ છેવટે તો કરવો જ રહેશે. એનો સંપર્ક સાધી ચૂકેલા કોઈક ગણ્યાગાંઠ્યા વિરલ સાધકો બાહ્ય ગુરૂ નહિ કરે તો ચાલશે, બાકી આત્મિક ઉન્નતિના રાજમાર્ગ પર આગેકૂચ કરવા માગતા બીજા જીવોને તો બાહ્ય ગુરૂની આવશ્યકતા રહેશે જ રહેશે. એમાં કાંઈ ખોટું પણ નથી.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

There is no pillow so soft as a clear conscience.
- French Proverb

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok