Wednesday, September 30, 2020

મન : બંધન અને મોક્ષનું કારણ

શરીર તથા સંસારના વિવિધ પદાર્થોનો અનુભવ મનની મદદથી જ થઈ શકે છે. મનની સત્તા જો શરીરમાં ન હોય તો ચિંતનમનન ન સંભવી શકે. એ મનના સંબંધમાં શાસ્ત્રો અને કૃતકામ સંતપુરૂષોએ કહ્યું છે કે મન જ બંધન તેમ જ મોક્ષનું કારણ છે. એટલે કે મનને લીધે જ બંધન છે અને મનની મદદથી જ મોક્ષ મળે છે. બંધન તથા મોક્ષનો અનુભવ મનથી જ થયા કરે છે. મન એમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે. એ વચનમાં પણ મનની શક્તિમત્તાનું દર્શન થાય છે. મનની અંદર કેટલી બધી શક્યતા છે અથવા તો મન કેટલી બધી મૂલ્યવાન વસ્તુ છે, એનો નિર્દેશ એના પરથી સહેજે મળી રહે છે. એટલા માટે જ, માનવના વિકાસક્રમમાં મન અત્યંત અગત્યનો ભાગ ભજવતું હોવાથી, જુદી જુદી સાધનાઓ એને કેન્દ્રમાં રાખીને નિર્મિત થયેલી છે, અને એક અથવા તો બીજી રીતે, એની તાલીમ માટે તૈયાર કરવામાં આવી છે.

મન બંધનનું કારણ કેવી રીતે છે ? અહંતા તથા મમતાથી બંધાયેલું અને આસક્તિથી ઓતપ્રોત થયેલું મન માનવને કેટલો બધો કલુષિત કરે છે, ને ક્લેશ કે કષ્ટમાં નાખે છે, તે આપણે જાણીએ છીએ. મન જ્યારે રાગથી રંગાય છે તથા દ્વેષના દાવાનળથી દગ્ધ બને છે, ત્યારે પણ સુખ અને દુઃખના સાધનરૂપ બનીને ભારે અનર્થનું કારણ થઈ પડે છે. કામ ને ક્રોધ, મદ ને મત્સર, તેમ જ તૃષ્ણા ને ભયના સકંજામાં જ્યારે તે સપડાય છે, ત્યારે પણ શું થાય છે ? એમનો અતિરેક થતાં એમની અશુભ અસર નીચે આવીને સ્વસ્થતા ખોઈ બેસે છે, અને એની શાંતિનો નાશ થાય છે. સ્થિરતા કે પ્રસન્નતા એને માટે સ્વપ્નવત્ બની જાય છે. ત્રિગુણાત્મિકા પ્રકૃતિરૂપી નટીના સંકેતાનુસાર એ સૂધબૂધ ભૂલીને નાચે છે. અને ઘડીમાં સત્વગુણની અસર નીચે આવીને આનંદે છે, ઘડીમાં રજોગુણી બનીને રાગ તથા તૃષ્ણાયુક્ત બની જાય છે, તો વળી ઘડીમાં તમોગુણની વિષવરાળથી અજ્ઞાનવશ, જડ ને પ્રમાદી થઈ રહે છે.

સંકલ્પવિકલ્પ કરીને, ભાવુક કે લાગણીવશ થઈને, અને કેટલાક સંજોગોમાં ભ્રાંત થઈને, એ જે કર્મો કરે છે તે એને અને એની પાછળના જીવાત્માને કરોળિયાના જાળાની જેમ જકડી લે છે. જીવન દરમિયાન તો એ અવનવા ખેલો ખેલે છે જ; પરંતુ અંતકાળે પણ સંકલ્પવિકલ્પ અથવા તો વાસનામાં બંધાઈને તેની પૂર્તિ કે સંતૃપ્તિ માટે નૂતન દેહમાં દાખલ થાય છે; અને ત્યાં પાછું પોતાની પુરાણી પ્રકૃતિને અનુસરીને અવનવા ખેલો કર્યા કરે છે. કર્મોના સૂક્ષ્મ સંસ્કારોને એ બીજા જન્મમાં પણ પોતાની સાથે લઈ જાય છે. વળી નવી અસરો નીચે આવીને નવાં કર્મો કરે છે અને એવી રીતે જન્મ ને મરણનું ચક્ર ચાલ્યા જ કરે છે. જીવનની નવીનવી આવૃત્તિઓ નીકળ્યા કરે છે. એનો કે જીવાત્માનો છૂટકારો નથી થતો. એને શાંતિ પણ નથી મળતી. કેવી રીતે મળી શકે ? શાંતિને માટેની યોગ્ય દિશામાં એ પ્રગતિ કરે છે જ ક્યાં ?

એ મન પરમ શાંતિ, પૂર્ણતા કે મોક્ષનું કારણ ક્યારે થઈ શકે ? અહંકારને ઓગાળી નાખીને જ્યારે તે નમ્રાતિનમ્ર બની જાય, મમતાના સ્થૂલ કે સૂક્ષ્મ, નાના કે મોટા, રુચિકર કે અરુચિકર તાંતણાને તોડી નાખે, આસક્તિનો અંત આણે, રાગ અને દ્વેષની વિષવરાળમાંથી મુક્તિ મેળવીને સ્નેહ અને સમતાના રાજપથ પર પગલાં માંડે, ભયને ભાંગી નાખે, તૃષ્ણાનો ત્યાગ કરે, મદ અને મત્સરને મારી નાખે તેમ જ કામ ને ક્રોધની અતિશયતાથી અલિપ્ત રહેવાની કળા શીખી લે. પ્રકૃતિરૂપી નર્તકીના ઈશારા પ્રમાણે નાચવાનું મૂકી દઈને જ્યારે પોતાનો સંયમ કરે, સત્વગુણની શુભ, રજોગુણની શુભાશુભ, તથા તમોગુણની અશુભ અસરથીયે અલિપ્ત રહીને પોતાની સ્વસ્થતાને સાચવી રાખે, અનેક પ્રકારના વિકૃત સંકલ્પવિકલ્પોનો ત્યાગ કરે, સ્વાર્થને બદલે નિઃસ્વાર્થતાને ધારણ કરે, અને પોતાના અસલ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા કટિબદ્ધ બને. એ ઉપરાંત, વાસનાની ગ્રંથિને તોડી દઈને જીવાત્મા અવિદ્યામાંથી મુક્તિ મેળવીને એ સાક્ષાત્કારની સિદ્ધિ કરે ત્યારે માનવનું જીવન ધન્ય થાય, એ સનાતન શાંતિનો સ્વામી થાય, પરમાનંદનો પીયૂષપ્રવાહ એના પ્રાણના પ્રત્યેક પરમાણુમાંથી પ્રકટ થઈને એના અંગેઅંગને આપ્લાવિત કરતાં બધે ફરી વળે. બંધનો તૂટી જાય. પ્રકાશ પથરાઈ જાય. પરમતૃપ્તિની પ્રશાંત વીણા વાગી ઊઠે અને કૃતાર્થતા અથવા તો જીવન-સાફલ્યની પરિસીમાએ પહોંચી જવાય. ભગવાન શ્રીકૃષ્ણે એવા કૃતકામ મહામાનવને માટે જ કહ્યું છે કે तस्य कार्य न विद्यते । તેને જીવનની મુક્તિ કે કૃતાર્થતા માટેનું કોઈ કર્મ બાકી નથી રહેતું. જીવનનો સદુપયોગ કરીને જે સાધવાનું છે તે તેણે સાધી લીધું છે. તેનું જીવન સફળ થયું, મુક્ત કે કૃતકૃત્ય બની ગયું. વિશ્વની અંદર અને બહાર રહેલી પરમ સત્તાનું દર્શન એને થઈ ગયું.

એ અલૌકિક અવસ્થાની અનુભૂતિ માટે જ આ મનુષ્યજીવન છે. મનુષ્યજીવન સિવાયના બીજા કોઈ જીવનમાં એની અનુભૂતિ અને એ અનુભૂતિ માટેની સાધના નથી થઈ શકતી. મનુષ્યજીવનમાં જ એની શક્યતા છે. પોતાની ને બીજાની ઉન્નતિ અને સુખાકારીની આ જીવન જ આધારભૂમિ છે. એના પરથી આ જીવનની કિંમત સમજાશે. છતાં પણ કેટલી બધી ઓછી સંખ્યાના માણસો એ સમજે છે ને જીવનનો સદુપયોગ કરે છે તે વિચારવા જેવું છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

You don't have to be great to get started but you have to get started to be great.
- Les Brown

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok