મનને વશ કેમ કરવું

મન પર માનવની મુક્તિ અને માનવનાં બંધન-માનવનાં સુખ ને દુઃખ અથવા તો અભ્યુત્થાન અને અધઃપતનનો આધાર છે. મન એમાં મહત્વનો ભાગ ભજવે છે. છતાં એ મનને વશ કરવાનું કામ ધાર્યા જેટલું સહેલું નથી. મહાભારતકાળમાં અર્જુનને પણ એ જ મૂંઝવણ થઈ છે, અને એણે એ ભગવાન શ્રીકૃષ્ણની આગળ કહી બતાવી છે. એ પહેલાં રામાયણકાળમાં પણ, શ્રીરામના હૃદયમાં એ જ સમસ્યાનો પડઘો પડ્યો હતો. મહર્ષિ વશિષ્ઠે એમને માર્ગદર્શન આપ્યું હતું. એને પરિણામે યોગવાસિષ્ઠ જેવા મહાન ગ્રંથરત્નની રચના થઈ હતી. અને વૈદિક કાળમાં પણ એ સમસ્યા ક્યાં ન હતી ? માનવની એ અનાદિકાળની, સનાતન મૂંઝવણ છે. એ સમસ્યા સર્વદેશીય તથા સર્વકાલીન છે. જ્યાં-જ્યાં માનવ વસે છે - અલબત્ત, વિવેકી માનવ ત્યાં-ત્યાં એને આ સમસ્યા સતાવે છે. માનવ જ્યારથી શુભાશુભનો કે સત્યાસત્યનો વિચાર કરતો થયો ત્યારથી આ સમસ્યા એના જીવનમાં પેદા થઈ છે.

જંગલી જનાવરોને વશ કરી કરી શકાય, વિરાટકાય પર્વતમાળાઓને પાર કરી શકાય, એમનાં ઉત્તુંગ ગગનચુંબી શિખરોને સર કરી શકાય, સમુદ્રને નાથી શકાય, પૃથ્વીની પરિકમ્માયે કરી શકાય; એ બધાં કામો કપરાં છે છતાં પણ સિદ્ધ કરી શકાય; પરંતુ પોતાની અંદર રહેતા છતાં ન દેખાતા મનને વશ કરવાનું કામ અત્યંત મુશ્કેલ છે; એ બધાં કરતાં મુશ્કેલ છે; અને કોઈક જ એમાં સફળ થઈ શકે છે. મોટામોટા વીર કે મહારથી પણ એ કામમાં પાછા પડે છે. પંડિતો કે તાર્કિકો પણ ત્યાં લાચાર બની જાય છે. વાક્ પટુતાવાળા વિદ્વાનો અને કલમકસબીઓ પણ એ કામની કઠિનતાનો અનુભવ કરે છે. એ મન જો વશ થઈ જાય તો પછી બાકી શું રહ્યું ? કોઈ એને વશ કરવા માટે વ્રત, તપ, ઉપવાસ કરે છે, તો કોઈ સત્સંગ અથવા તો સ્વાધ્યાય કરે છે. કોઈ એકાંત ગિરિમાળામાં વાસ કરે છે, તો કોઈ સરિતામાં શાંત તટપ્રદેશ પર આસન વાળે છે, કોઈ યોગ સાધે છે, કોઈ અનુષ્ઠાન કરે છે, તો કોઈ જ્ઞાનનો આધાર લે છે. એવા ભાતભાતના ને જાતજાતના ઉપાયો મનને વશ કરવા કે જીતવા માટે અજમાવવામાં આવે છે, છતાં બહુ જ ઓછા માણસો એ સર્વોત્તમ કામમાં સફળ થાય છે.

યૌગિક સાધનામાં મનના વિજયને માટે ત્રણ તબક્કા નક્કી કરવામાં આવ્યા છે. એ તબક્કા કયા છે તે જાણો છો ? મનની શુદ્ધિ, સ્થિરતા અને મનની શાંતિ. મનોજયની કઠિન કહેવાતી સાધનાનાં એ ત્રણ સોપાન છે. સાધકે એ સોપાન પર ચડવું રહે છે. એ સોપાન પર ચડનારા સાધકને ખાતરી થશે કે મનોજયની સાધના કઠિન હોવા છતાં અશક્ય નથી, અને એ સાધનાની મુશ્કેલીઓનો ખ્યાલ કરીને નાહિંમત થવાની કે ડરી જવાની જરૂર નથી. જો સમજપૂર્વક એકધારો અને નિયમિત પુરૂષાર્થ કરવામાં આવે તો પરમાત્માની કૃપાથી એ સાધનામાં સફળ થઈ શકાય છે.

યોગીઓ કહે છે કે મનને વશ કરવાની સાધનામાં સફળ થવા માટે સૌથી પહેલાં તો મનને શુદ્ધ કરો. એની અંદર જે વિચારો, ભાવો ને સંસ્કારોની ગંદકી છે તેને દૂર કરો. એ મનને અને તેની બધી જ વૃત્તિઓને નિર્મળ કે સાત્વિક કરી દો. પોતાનું મન શિવસંકલ્પવાળું થાય તેને માટે વૈદિક ઋષિઓએ પ્રાર્થના કરી છે. તે પ્રમાણે પ્રાર્થના કરીને મનને શિવસંકલ્પથી સુશોભિત કરો, સદ્ ભાવથી ભરી દો અને સત્કર્મની સૌરભથી સુવાસિત બનાવી દો. સાધનાની પ્રારંભિક આવશ્યકતા એ જ છે. એને માટે જ, એને મદદરૂપ થવાના શુભ હેતુથી પ્રેરાઈને જ, જુદાજુદા કર્મકાંડ તથા ઉપાસનાની પ્રક્રિયાઓ નક્કી કરવામાં આવી છે.

શુદ્ધ થઈ ચૂકેલું અથવા તો થવાનો આરંભ કરી ચૂકેલું મન સ્થિર પણ જલદી થશે. આજે મન સ્થિર કે એકાગ્ર નથી થતું એ મોટા ભાગના શ્રેયાર્થીઓની ફરિયાદ છે. એ ફરિયાદનું કારણ એ પણ છે કે મન નિર્મળ નથી, સાત્વિક નથી કે દૈવી સંપત્તિની સુવાસથી સંપન્ન નથી. એટલે એને આત્મોન્નતિની સાધનામાં લગાડવામાં આવે છે, પરંતુ તે તો બાહ્ય પદાર્થોમાં જ ફર્યા કરે છે. એની અસ્થિરતાથી શ્રેયાર્થી કંટાળે છે. પરંતુ એ નથી થાકતું કે નથી કંટાળતું. મનને સ્થિર કરવાના ભિન્નભિન્ન અભ્યાસોને છોડી દેવાના નથી, પરંતુ એ અભ્યાસની સાથેસાથે મુખ્ય ધ્યાન મનની વિશુદ્ધિ તરફ આપવાનું છે, કારણ કે એની સંસિદ્ધિ પર મનની સ્થિરતાનો આધાર છે એ નિર્વિવાદ છે.

ત્રીજો તબક્કો મનની શક્તિનો કે મનના લયનો છે. ધ્યાન જેવી અંતરંગ સાધનામાં એકાગ્ર થયેલું મન ક્રમેક્રમે શાંત થઈ જાય છે અથવા તો આત્મસ્વરૂપમાં ડૂબી જાય છે. મન એ વખતે શાશ્વત સુખ અને શાંતિના ક્ષીરસાગરમાં સ્નાન કરે છે. એ દશામાં તે કાયમને માટે નથી રહેતું. પરંતુ વ્યુત્થાન-દશામાં આવ્યા પછી પણ સાંપડેલાં સનાતન સુખ અને શાંતિના આસ્વાદની અસરમાંથી એ મુક્ત નથી થતું. એ મન પહેલાંના મન કરતાં જૂદું જ હોય છે. એની અંદર આમૂલ પરિવર્તન આવી જાય છે. હવે એ અહંકારના અનલથી દગ્ધ નથી થતું. મમતા અને આસક્તિથી અંધ પણ નથી બનતું. પરમાત્માની અલૌકિક આવૃત્તિ જેવું એ મન, હોવા છતાં પણ ન હોય એવું અલિપ્ત રહ્યા કરે છે. એને વશ કરવાની સમસ્યા સાધકને હવે નથી સતાવતી, મનની હવે કોઈ સમસ્યા જ નથી રહેતી.

એટલે, મનને એવી વર્તમાન અવસ્થામાંથી ક્રમેક્રમે વિકસિત કરીને આગળ લઈ જવું પડશે. એ વિકાસ કાંઈ એમ ને એમ થશે કે ? બે હાથ જોડીને પ્રમાદી થઈને બેસી રહેવાથી એ હેતુ સરશે કે ? એને માટે તો પ્રમાદ છોડીને કર્તવ્યપરાયણ થવું પડશે, અને મહાપુરૂષોની મદદ માગવી પડશે. એટલે જ ઉપનિષદે કહ્યું છે કે ઊઠો, જાગો, અને અનુભવી પુરૂષોની પાસે પહોંચીને જીવનના શ્રેયના માર્ગને જાણો. અને આખરે આત્માને ઓળખી લો. उत्तिष्ठित जाग्रत प्राप्य वरान्निबोधत ।

- શ્રી યોગેશ્વરજી

Comments  

0 #1 Denish Sahiwala 2018-08-11 23:36
મને સેક્સના વિચાર ખુબ જ આવે છે. કેમ દૂર રહેવું ? હું 34 વર્ષનો છું, કુંવારો છું, કેમ વિચાર દૂર કરવા ?

Today's Quote

Pain is inevitable. Suffering is optional.
- Dalai Lama

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.