પ્રથમ કેળવીએ પાત્રતા

કવિ દયારામ કહી ગયા છે કે 'ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપિ અર્થ ના સરે.' એ કથન સાવ તો ખોટું નથી જ. આત્મિક સાધનાના ક્ષેત્રને તો એ બરાબર લાગુ પડે છે. એવા કેટલાય સાધકો છે જે કોઈક અસાધારણ અનુભવ અથવા અનુગ્રહની અપેક્ષા રાખે છે, પરંતુ એક અથવા બીજી રીતે એમને એવા અનુગ્રહ કે અનુભવની પ્રાપ્તિ થઈ જાય તો તેને સહન કરી, જીરવી કે પચાવી નથી શકતા. શાસ્ત્રોમાં એટલા માટે જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અધિકાર અથવા પાત્રતા જોઈને જ કોઈપણ વસ્તુ અર્પણ કરવી. પાત્ર જોયા વિના અર્પણ કરેલી વસ્તુ જોઈએ તેવી ને તેટલી ફળદાયક નથી થઈ શકતી.

એ સંબંધમાં શ્રી રામકૃષ્ણ પરમહંસદેવના શિષ્યો અને મુખ્ય સેવક મથુરબાબુના જીવનનો પ્રસંગ યાદ આવે છે.

મથુરબાબુ શ્રી રામકૃષ્ણ પરમહંસદેવના ભક્ત હતા, અને એમનો ખર્ચ પણ મોટેભાગે એ જ ઉપાડતા.

એમણે જ્યારે જાણ્યું કે રામકૃષ્ણદેવે કૃપા કરીને વિવેકાનંદના શિર પર હાથ મૂક્યો અને વિવેકાનંદને સમાધિનો અનુભવ કરાવ્યો ત્યારે એવો વિલક્ષણ અનુભવ કરવાની એમને પણ ઈચ્છા થઈ તથા એને માટે એમણે રામકૃષ્ણદેવને પ્રાર્થના કરી.

રામકૃષ્ણદેવે કહ્યું કે તમારી ભૂમિકા હજુ તૈયાર નથી થઈ, તમારામાં હજુ એટલી યોગ્યતા નથી આવી, માટે એવા અનુભવની ઈચ્છા ના રાખો, તો પણ મથુરબાબુએ પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો.

એ આગ્રહ દુરાગ્રહમાં પલટાયો ત્યારે રામકૃષ્ણદેવે એમના પર પણ એવો અનુગ્રહ કરવાનું સ્વીકાર્યું.

એમણે ભાવમાં આવીને પોતાની પાસે બેઠેલા મથુરબાબુના મસ્તક પર હાથ મૂક્યો.

એમના એ અસાધારણ શક્તિશાળી સ્પર્શથી મથુરબાબુનું મન સમાધિદશામાં ડૂબવા લાગ્યું. એમના મનની બધી જ વૃત્તિઓ શરીરના સ્થૂલ પ્રદેશનો પરિત્યાગ કરીને સૂક્ષ્મ પ્રદેશમાં લીન થવા લાગી.

આખોય અનુભવ અવનવો, અનેરો અને આનંદદાયક હતો તો પણ મથુરબાબુ એથી ગભરાઈ ગયા.

એ આકસ્મિક અનુભવનો આરંભ થયો ત્યાં જ એ બૂમ પાડી ઊઠ્યા, 'અરે, આ તમે શું કરી રહ્યા છો ? મારે તો સ્ત્રી છે, સંતાન છે, ઘર છે, પરિવાર છે, જમીન-જાગીર છે, સર્વ કાંઈ છે. મારે અત્યારથી આવી રીતે મરવું કે બધાનું ભાન ભૂલવું નથી. હજુ તો મારે જીવવું છે ને બધાનો રસ લેવો છે. કૃપા કરીને મારા મસ્તક પરથી તમારો હાથ લઈ લો.'

મથુરબાબુની મુંઝવણ જોઈને રામકૃષ્ણદેવે એમના મસ્તક પરથી હાથ હઠાવી દીધો.

મથુરબાબુની અવસ્થા પાછી પૂર્વવત્ બની ગઈ. એમને શાંતિ મળી.

રામકૃષ્ણદેવે કહ્યું, 'મેં પહેલેથી જ જણાવેલું ને વારંવાર જણાવેલું કે તમારી યોગ્યતા અધૂરી છે તો પણ તમે તમારો આગ્રહ ચાલુ જ રાખ્યો. હવે તો મારા શબ્દોની યથાર્થતાની પ્રતીતિ તમને પોતાને જ થઈ ગઈ ને ?'

મથુરબાબુ ચૂપ રહ્યા.

એ પછી ફરીવાર એમણે રામકૃષ્ણદેવને પોતાના મસ્તક પર હાથ મૂકવાની પ્રાર્થના ના કરી, ના કદી પણ નહિ.

જે અનુભવો પોતાના વ્યક્તિગત જીવનવિકાસના પરિણામે સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે તે જીવનવિકાસના ક્રમિક અંગ અથવા અંશરૂપ હોવાથી આનંદ આપે છે. તે જીવનમાં ભળી જાય છે. પરંતુ જે અનુભવો પૂરતી સાધનાત્મક તૈયારી વિના થાય છે કે ઉપરથી લાદવામાં આવે છે એ આનંદ નથી આપતા, શાંતિ નથી ધરી શકતા, અને વધારે ભાગે અશાંત અથવા બેચેન કરે છે. મોટા અને મહત્વના અનુભવોની અપેક્ષા રાખતા સાધકે સૌથી પહેલાં દીર્ઘકાળની વ્યવસ્થિત સાધનાનો આધાર લઈને જરૂરી ભૂમિકા તૈયાર કરવી જોઈએ. અનુભવો પછી આપોઆપ મળવા માંડશે તથા એમનો આસ્વાદ પણ માણી શકાશે.

મથુરબાબુના આ પ્રસંગમાંથી એ જીવનોપયોગી સંદેશ મળે છે. પહેલાં પાત્રતા કેળવીએ, પછી લોકોત્તર પદ, અવસ્થા અથવા અનુભવની આશા રાખીએ. એવી આશા નહિ રાખીએ તો પણ પાત્રતા તૈયાર થતાં એ આપોઆપ આવી મળશે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

There are only two ways of spreading light - to be the candle or the mirror that reflects it.
- Edith Wharton

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.