સ્વાતિબિંદુ
સુંદર સરિતાના તટ પર એક ઉપવન હતું. એમાં રંગબેરંગી ફોરમવંતાં ફૂલો ખીલેલાં; ઘટાવાળાં વૃક્ષો ઊભેલાં. મુસાફરો એ ઉપવનની મુલાકાત લેતા, અને વૃક્ષો, પુષ્પો ને સવારસાંજ ઊડતા ફુવારાનો લહાવો લેતાં પ્રસન્ન થતા, આનંદ કરતા, શાંતિ મેળવતા.
એ જ ઉપવનમાં થોડે છેટે એક સૂકું વૃક્ષ હતું. તપથી કૃશ શરીરવાળા એ વૃક્ષની તરફ કોઈ નેહાળ નજરે ના નાખતું. કોઈ એને જોઈને આનંદે ના પામતું. પરંતુ એક કવિ ને કવિપત્ની એનો જ આધાર લેતાં : એની જ પાસે, એને અઢેલીને બેસતાં, વાતે વળગતાં, કવિતા કરતાં.
એમને મેં એનું કારણ પૂછ્યું તો એમણે સસ્મિત કહેવા માંડ્યું : પ્યારા પ્રવાસી, સારાનાં સગાં તો સૌ કોઈ થાય છે, પણ આવા રસકસ વિનાના, રૂપરંગરહિતને, નેહની નજરે નીરખીએ ત્યારે જ ખરું. એકાકી અને અનાથને પડખે ઊભા રહેવાનો અમારો સ્વભાવ આ સંબંધી પણ અમે નથી છોડી શકતાં. આ પર્ણહીન વૃક્ષ અમને વહાલું છે; એની દ્વારા અમને કેટલીય કવિતાઓ મળ્યા કરે છે.
એટલીવારમાં તો પંખીનું એક ટોળું આવી પહોંચ્યું, અને એ વૃક્ષ પર વિશ્રામ કરતાં ગીત ગાવા માંડ્યું.
મને થયું કે એકાકી, અનાથ, અપંગનું પણ કોઈ છે ખરું : હું પણ એને મારી અંજલિ ધરું !
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)